ભગવદ સ્વરૂપ એટલે શું?

શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદાત્મક તત્વ તરીકે કરવામાં આવ્યું છે (સત્ + ચિત્ + આનંદ = સચ્ચિદાનંદાત્મક). બ્રહ્મ જ્યારે જગત્ ને પ્રકટ કરવાની ઈચ્છા કરે છે ત્યારે પોતાનાં સત્ નામક ગુણધર્મ વડે પોતે જ જગત્ રૂપે પરિણમે છે. આથી બ્રહ્મ પોતે જગતના સર્વ પદાર્થોમાં ઓતપ્રોત અથવા એકમેક થઈને રહેતું હોવાથી, શાસ્ત્રોમાં જગતનું વર્ણન બ્રહ્માત્મક તરીકે કરવામાં આવ્યું છે. પાંચ મહાભૂતોથી જગત ઘડાયેલું હોવાને કારણે જગતને ‘પ્રપંચ’ પણ કહેવામાં આવે છે. આ પાંચ મહાભૂતો આ પ્રમાણે છે:

  • પૃથ્વી
  • જળ
  • તેજ
  • વાયુ 
  • આકાશ.

માનવી આ પાંચ મહાભૂતોનું બનેલું છે. આથી તે પ્રપંચ જગતનું એક પાસુ છે. આ ઉપરથી એક વાત સમજાય છે કે વસ્તુનું નિર્માણ કોઈક પદાર્થ કે દ્રવ્યથી થાય છે. વસ્તુના નિર્માણમાં કેટલાક સહાયક સાધનોની જરૂરિયાત હોય છે. વસ્તુનું નિર્માણ ઉપર વિચાર કર્યે તો તર્કશાસ્ત્ર ની ભાષામાં ઉપરોક્ત ઉત્પતિનાં મુખત્વે બે કારણો હોય છે અને તે છે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ.

  • ઉપાદાનકારણ: જે કારણ પોતાનાં કાર્યથી જુદા પડ્યા વગર કાર્યના રૂપમાં પરિણમી જતું હોય તેવા કારણને ઉપાદાનકારણ કહેવામાં આવે છે. દા.ત. માટી એક એવું દ્રવ્ય છે કે જેને ઘાટ આપીને ઘડો બનાવવામાં આવે છે. ઘડાના રૂપમાં ઘડાયેલી માટીને ઘડાથી જુદી પાડી શકાતી નથી. આ કારણે જ માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવામાં આવે છે.
  • નિમિત્તકારણ: ઉપાદાનકારણ સિવાયનાં કાર્યની ઉત્પતિ સહાયક થતાં કારણોને નિમિત્તકારણ કહેવામાં આવે છે. દા.ત. ચાકડો, દંડો, પાણી વગેરે. આ ત્રણે પદાર્થો માટલાનાં (ઘડાના) નિર્માણમાં સહાયરૂપ થનારા પદાર્થો છે. આથી આ પદાર્થોને માટલાના નિમિત્તકારણ કે કરણ કહેવામાં આવે છે.

ઉપાદાનકારણ અને નિમિત્તકારણ સાથે સત્ નિર્માણ કરનાર બ્રહ્મ જ છે. પણ આ બે કારણો સ્વય સ્વરૂપનું પ્રાકટ્ય નું આયોજન નથી. પોતાનામાંથી સચ્ચિદાનંદથી સ્વય સ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે તે સ્વરૂપ ભગવદ્દ સ્વરૂપ છે અને શ્રી યમુનાજી ભગવદ સ્વરૂપ હોવાથી પ્રભુમાંથી પ્રગટ થયાં છે. તેવા સ્વરૂપ પ્રગટ થયા કહેવાય પણ જન્મ થયો તેમ નથી કહેવાતું.