નેહ કારણ યમુને જુ પ્રથમ આઈ

શ્રી યમુનાજી ભગવદ્દ સ્વરૂપ છે. શાસ્ત્રમાં ભગવદ સ્વરૂપ માટે સુંદર વર્ણન મળી આવે છે. તે વર્ણન મુજબ ભગવદ્દ સ્વરૂપનું પ્રાકટ્ય ભુતળ (પૃથ્વી) ઉપર થાય છે પણ તેમનું જન્મ સામાન્ય મનુષ્યની જેમ ન હોવાથી ફક્ત પ્રાકટ્ય થાય છે.

અનાદિકાળ પહેલાં પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ અને રમણ માટે રમણસ્થળ અને રમણ-ખેલ માટે અંસ-પ્રકૃતી પ્રગટ કરી. પોતાની ઈચ્છા થઈ અને બોલ્યા, ‘એકો હુંમ બહુશામ’ અને સર્વ વ્યાપક થયા. પોતાની અચિન્ત્ય લીલાશક્તિથી જ તે દેહધારી થઈ સર્વ વ્યાપી થયાં અને સ્વ-તેજમાં અન્ય સંપૂર્ણ તેજ વિલીન થઈ જાય છે, ભગવાનના એ આત્મા-રામમાંથી આત્મા-કામ માટે રચના કરી. વિરુધ્ધાભાસ લીલા રચી અને અંસ અને પ્રકૃતિ અને ભ્રમાંડની રચના કરી.

સૌથી પહેલાં રમણ માટે રમણ-સ્થળ સિદ્ધ કર્યું, તે સ્થળ હતું સુર્યમય ગોલોક ધામ. પછી અચિન્ત્ય લીલા-શક્તિથી એક અદ્દભૂત લીલા સ્વરૂપ અલ્હાદીની સ્વરૂપ પ્રકટ કર્યું. આ હતું પૂંભાવનું વિરુધ્ધાભાસ સ્ત્રીભાવ સ્વરૂપ. પ્રભુએ આ સ્વરૂપને શક્તિ પ્રદાન કરી અને શક્તિ-સ્વરૂપ તરીકે પણ ઓળખાયા. આ સ્ત્રી-સ્વરૂપ શ્રી ઠાકોરજીની લીલા-વિહાર-સહભગીની બન્યા અને સર્વ લીલાના સાક્ષી સ્વરૂપ થયાં. શ્રી સંગે તે લીલા રસ અને રસો વૈ સ્વ: આનંદ આપવા અને લેવા તેમનો પ્રાકટ્ય થયું. આ હતા સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી થયાં સ્વામી. રસો વૈ આનંદ અને આરાધના ભાવ સ્વરૂપ હોવાથી અને ઉત્તમ સ્ત્રી શક્તિના કારણે તેનું નામ પડ્યું “રાધા.”

શ્રી રાધાજી લીલા-વિહાર આનંદ અને સ્વરૂપ રસ માણતા હતા તે દરમ્યાન આ અદ્દભૂત આનંદમાં વૃધ્ધી વધારવા પ્રભુને પ્રેરિત કર્યા અને ઉત્તેજિત સ્વરૂપમાંથી બીજુ અલ્હાદીની સ્વરૂપ પોતાનાં ડાબા હ્રદયમાંથી પ્રગટ કરવા તેમના અચિન્ત્ય લીલાશક્તિઓ ઉન્માદ રસ ભોગવતા બ્રહ્મ-રસ વહેવા માંડ્યો અને ઘનીભૂત થતાં આ રસ લાંબો, પહોળો અને ઉચ્ચો પર્વત બન્યો. આ સ્વરૂપ હતું શ્રી ગિરિરાજજી. શ્રી ગિરિરાજજી ૧૨ વન અને ૨૪ ઉપવનથી ઘેરાયેલા થયા. કુદરતી સૌંદર્યને દીપાવવા માટે છ ઋતુ શ્રી ગિરિરાજજીમાં યુગલ સ્વરૂપની રાત અને દિવસની રમણ-લીલામાં વૃદ્ધિ કરવા પ્રગટ કરી.

ત્યારબાદ પ્રભુએ પોતાના ડાબા હ્રદયમાંથી બીજી અલ્હાદીની સ્ત્રી સ્વરૂપ પ્રગટ કરી. છ ગુણો અને અનંત ગુણભૂષિત સ્વરૂપ જાણે શ્રીકૃષ્ણનું સ્ત્રી-સ્વરૂપા ન હોય તેવો વાન અને સ્વભાવથી તે કૃષ્ણા સ્વરૂપા, કૃપા-સ્વરૂપ સમાન શ્રી યમુનાજી થયાં. પ્રેમ-રસ-સાગર નેત્રમાં વહેતો હતો અને શ્રી કૃષ્ણના તેઓ પ્રિયાજી કહેવાયા.